(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોરણ ગામે સગાભાઈઓ વચ્ચે પૈસાની ઉઘરાણી બાબતે થયેલ ઝઘડામાં બે સગા ભાઈઓ વિરુધ્ધ પૈસા માંગનાર ભાઈએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોરણ ગામે રહેતા પરેશભાઈ કિરણભાઈ વસાવા દુકાન (ગલ્લો) ચલાવવાનો વ્યવસાય કરે છે.તા.૧૯ મીના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં તેઓ પોતાની દુકાને બેઠેલા હતા તે દરમ્યાન તેમના મોટાભાઈ પંકજભાઈ કિરણભાઈ વસાવા તેમજ નાનોભાઈ સંદિપ કિરણભાઈ વસાવા બન્ને રહે.ગામ મોરણ તા.ઝઘડિયાના ત્યાં આવ્યા હતા અને કહેવા લાગેલ કે તું બીજાના ઘરે કેમ જમવા માટે જાય છે? ત્યારે પરેશે તેમને જણાવેલ કે તમે મને જમવાનું આપતા નથી તેથી મારે બીજાના ઘરે જમવા જવું પડે છે.ત્યાર બાદ પરેેશભાઈએ મોટાભાઈ પંકજભાઈ પાસે તેમના નીકળતા રૂપિયા વીસ હજારની માંગણી કરતા તેઓ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા.આ ઝઘડામાં પંકજભાઈનું ઉપરાણું લઈને નાનો ભાઈ સંદિપ પણ પરેશ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.ત્યાર બાદ તેમના મોટાભાઈએ બાજુમાં પડેલ લાકડી લઈને પરેશને લાકડીના સપાટા મારતા પરેશે બુમાબુમ કરતા અન્ય સંબંધીઓએ વચ્ચે પડીને તેને વધુ મારથી બચાવ્યો હતો.ત્યાર બાદ પંકજ તથા સંદિપ લોકો પરેશને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.ઈજાગ્રસ્ત પરેશને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.મારામારીની આ ઘટના સંદર્ભે પરેશભાઈ વસાવાએ ઝઘડો કરનાર પોતાના ભાઈઓ પંકજ કિરણભાઈ વસાવા તેમજ સંદિપ કિરણભાઈ વસાવા બન્ને રહે.ગામ મોરણ તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઝઘડિયા તાલુકાના મોરણ ગામે નીકળતા પૈસાની ઉઘરાણી કરતા મોટાભાઈએ નાનાભાઈને માર માર્યો
- Ads -